રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં મામુલી વરસાદે રોડ-રસ્તાની સ્થિતિ દયનીય બની છે. આ અંગે અગાઉ પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયા બાદ ભાજપ ધારાસભ્ય દ્વારા સિવિલ સર્જનને સૂચના આપવામાં આવી હતી. જોકે, આમ છતાં કોઈ પગલાં નહીં લેવાતા આજરોજ સિવિલ હોસ્પિટલમાં રોડ-રસ્તા ઉપરાંત આરોગ્યની વ્યવસ્થા કથળી હોવાનાં આરોપ સાથે કોંગ્રેસ દ્વારા નાટ્યાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ સરકાર, આરોગ્ય મંત્રી, સિવિલ સર્જન, જનતા તેમજ ઇજનેરનો વેશ ધારણ કરી નાટક ભજવ્યું હતું. આ સાથે કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી રોડ રસ્તાની હાલત ખરાબ છે. આરોગ્ય તંત્ર પણ કથળેલી હાલતમાં છે. જેમાં પૂરતા ડોક્ટર, દવાઓ અને સાધનો નથી. કાયમી સિવિલ સર્જન કે મેડિકલ હોસ્પિટલમાં પણ કાયમી ડીન નથી. નર્સિંગ સ્ટાફની અછત છે. ત્યારે આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સરકાર જાગતી નથી. જેને લઈને અમે નાટ્યાત્મક વિરોધ કર્યો છે અને લોકોની વેદનાને સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં પણ જ્યાં સુધી પ્રશ્નોનો આવશે નહીં ત્યાં સુધી જુદી-જુદી રીતે વિરોધ કરવામાં આવશે.