રાજકોટની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદી એ મીડિયા સાથે વાતચિત કરતાં જણાવ્યું હતું કે રાજકોટની ઝનાના હોસ્પિટલનું ડિમોલિશન કરીને ત્યાં નવી ઈમારતનું બાંધકામ શરૂ કરાયું છે. આ બાંધકામ પણ આખરી તબક્કે પહોંચી ગયું છે અને એકાદ માસમાં લોકાર્પણ કરવા માટે તૈયારી ચાલી રહી છે. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં રંગકામ પૂર્ણતાએ છે. જ્યારે વિવિધ મશીનરી માટે જીએમએસસીએલ કાર્યવાહી કરી રહ્યું છે. હાલ પ્રાથમિક જરૂરી છે તે બધી મશીનરી પહેલા જ તબક્કામાં આવી જશે. સ્પેશિયાલિસ્ટ સેવાઓ માટેની નવી મશીનરી બીજા તબક્કામાં આવશે જો કે તે પહેલા જ બિલ્ડિંગનું લોકાર્પણ કરી દેવાશે જેમાં એકાદ મહિનો થઈ શકે છે.તેમજ નવી ઈમારત બને એટલે તેમાં ફક્ત ગાયનેક વિભાગ જ નહિ પણ બાળકોનો વિભાગ પણ શિફ્ટ થશે અને મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ તરીકે ઓળખાશે. હાલ ગાયનેક વિભાગ છેલ્લા 4 વર્ષથી ટ્રોમા સેન્ટરના બિલ્ડિંગમાં કાર્યરત છે જે હવે ખાલી થશે. જ્યારે બાળકોની હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસેના જૂના બિલ્ડિંગમાં છે. આ બંને ખાલી જગ્યાનો ઉપયોગ ઓર્થોપેડિક વોર્ડ તેમજ મેડિસિન વોર્ડ તરીકે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટને એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ અને કેકેવી બ્રીજ પછી હવે અદ્યતન ઝનાના હોસ્પિટલ મળશે.