સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પાણીના ટાંકાઓની સફાઈ નહીં થતી હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. દર્દીઓ તેમજ તેના સગાને જ્યાંથી પાણી મળે છે તે ટાંકાઓમાં ઠેર-ઠેર લીલો શેવાળ જોવા મળી રહી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરી છે. છેલ્લે ક્યારે ટાંકાઓની સફાઈ થઈ હતી તેની વિગતો આપવા સિવિલ અધિક્ષકને આવેદન પાઠવી માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ સિવિલ અધિક્ષકે ગઈકાલે કરેલી સરપ્રાઇઝ વિઝીટમાં શું જોયું? તેવા સવાલ ઉઠાવ્યા છે. આ અંગે પ્રદેશ મહિલા કોંગ્રેસના આગેવાન ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં જ્યાંથી તમામ સ્થળે પીવાનું પાણી જાય છે. તેવા ટાંકાઓની તપાસ કરવામાં આવી છે. જેમાં આ ટાંકાઓમાં લીલ તેમજ બેક્ટેરિયા અને પરવાળા જોવા મળી રહ્યા છે. જેને લઈને લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. પીવાના પાણીના ટાંકાઓમાં આટલી ગંદકી ગંભીર બીમારી નોતરી શકે તેમ છે. આમ છતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, ગઈકાલે જ સિવિલ અધિક્ષકે આખી હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હતી, ત્યારે આજે પણ પાણીના ટાંકાઓની આ હાલત જોઈને તેણે સરપ્રાઇઝ વિઝીટમાં શુ કર્યું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના શાસકોને અને ગુજરાતના આરોગ્ય તંત્રને પણ હું પૂછવા માગું છું કે, સિવિલ હોસ્પિટલમાં આખા સૌરાષ્ટ્રમાંથી ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો આવે છે અને હાલ રોગચાળો વધી રહ્યો છે, ત્યારે હોસ્પિટલનાં પાણીના ટાંકાઓની આવી હાલતને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાય તો તેના માટે જવાબદાર કોણ છે?