રાજકોટના કોઠારીયા રોડ ઉપર રહેતા અને અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં વિક્રમભાઈ સુખાભાઈ બકુતરા નામના યુવાને શુક્રવારે રાત્રે કાલાવડ નજીક પેટ્રોલ છાંટી કાંડી ચાંપી લેતા રાજકોટ ખસેડાયો હતો જેનું શનિવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું બનાવને પગલે રોષે ભરાયેલા પરિવારજનો અને કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.
વિક્રમને છ મહિનાથી પગાર નહીં મળતા તે સતત ચિંતાતુર રહેતો હતો અને એ જ ચિંતામાં આ પગલું ભરી લીધું હોય પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે પછી જ મૃતદેહ સ્વીકારવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા કાલાવડ પોલીસ અમૂલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સુરેશ કેશવજીભાઈ સંતોકી, નીતિન કેશવજીભાઈ તેમજ અન્ય ભાગીદારો સામે મરવા મજબૂર કરવા અંગે મૃતકના પિતરાઇ ભાઈ રમેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ પણ ન્યાય અપાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને પરિવારએ મૃતદેહ સ્વીકાર્યો હતો .
અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ કર્મચારીઓનો પગાર ચૂકવવામાં તેમજ પીએફ જમા કરાવવામાં નાદારી નોંધાવી દીધી હોય તેમ છેલ્લા છએક મહિનાથી કર્મચારીઓને પરેશાન કરી રહ્યા છે પગાર અને પીએફ મુદે અગાઉ દિવાળીના તહેવાર ટાણે પણ કર્મચારીઓ નાના મવા સ્થિત માલિકના ફ્લેટ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તે પછી કલેકટર કચેરી ખાતે રજૂઆત, આત્મવિલોપનનો પ્રયાસ અને કંપની બહાર ભૂખ હડતાળ સહિતના કાર્યક્રમો આપ્યા હોવા છતાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો કે ભાગીદારોના પેટનું પાણી હલયુ ન હતું જેના પરિણામ સ્વરૂપે અંતે એક કર્મચારીને આપઘાત કરવાની ફરજ પડી છે
અંહી સવાલ માત્ર એક જિંદગી ગુમાવવાનો નથી પરંતુ આખા પરિવારને વેર વિખે કરી દેવાનો છે માત્ર વિક્રમભાઈના મોતથી ઘડપણમાં પિતાએ આધારસ્તંભ પુત્ર ગુમાવ્યો છે તો બીજી તરફ એક બહેને એકનો એક ભાઈ પણ ગુમાવ્યો છે એથી પણ વિશેષ એક પૂત્ર અને એક પૂત્રી પિતા વિહોણા બન્યા છે ત્યારે આ પરિવારને વેરણ છેરણ કરી દેનાર અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો શું આ દુખી પરિવારનું દુખ દૂર કરી શકશે તે મોટો પ્રશ્ન ઉદ્ભવયો છે.