રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટીઆરપી ગેમઝોન ઘટનાની વાર્ષિક પુણ્યતિથિ પૂર્વે આજે પત્રકાર પરિષદ યોજી દોષિતનો આકરી સજા માટે કાનુની અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને કરાઇ હતી. પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે એક વર્ષ પૂરું થાય છે ત્યારે કોંગ્રેસ છેલ્લા પાંચ દિવસથી શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે જુદી જુદી જે માંગો સરકાર સમક્ષ કરવામાં આવી હતી તે આજદિન સુધી સ્વીકારવામાં આવી નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત શાસન ચાલી રહ્યું છે તેનું આ ગેમ ઝોન જીવતું જાગતું ઉદાહરણ છે. કોર્પોરેટરો અને પદાધિકારીઓનો ભ્રષ્ટાચાર બહાર ન આવે એટલા માટે ક્લીન ચીટ અપાય છે. તેમજ રાજકોટમાં એટલાન્ટિકા એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. તેમાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરીને સમગ્ર પ્રકરણ દબાવો દેવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. ટીઆરપી ગેમ ઝોન મુદ્દે આવતી કાલે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાંજે 7:30 કલાકે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.. આજની પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, સહિતના પ્રભારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.