રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે મેચને લઈને શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. વર્લ્ડકપ પહેલાની મહત્વની કહી શકાય તેવી સિરીઝનો ત્રીજો અને અંતિમ મેચ રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ રમાનાર છે. ત્યારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઓસ્ટ્રેલિયાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની હોય બંને સ્થળે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ખેલાડીઓના રોકાણને લઇ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. હોટલમાં વિરાટ કોહલીને 801 નંબરનો રૂમ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ ફાળવવામાં આવ્યા છે. આ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 10 મેચ રમાઈ ચૂક્યા છે જેમાં 2 ટેસ્ટ, 5 ટી-20 અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે, ત્યારે આવતીકાલે બંને ટીમના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરશે અને આગામી બુધવારના રોજ 11મી આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં રમાશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.