રાજકોટના લક્ષ્મીનગરમાં રહેતા સોની પરિવારની ૮ વર્ષની દીકરી ગત સાંજે ઘર પાસે રમતી રમતી ગૂમ થઈ ગઈ હતી. આકાંક્ષા જગદીશભાઈ સોની શાળા નમ્બર ૪૭માં ધોરણ ૩માં ભણતી હતી. આઠ વર્ષની દીકરી ગૂમ થતાં પિતા જગદીશભાઈ રામચંદ્રભાઈ સોનીએ માલવીયાનગર પોલીસમાં જાણ કરતાં પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, પીએસઆઇ વાછાણી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. બાળકીની તસ્વીર સાથે યાદી પણ સોશિયલ મીડિયા અને તમામ પોલીસ સ્ટેશનમોમાં મોકલાઈ હતી. પોલીસની ટીમો સતત બાળકીને શોધી રહી હતી ત્યાં જ આજે સાંજે ભક્તિનગર રેલવે સ્ટેશન યાર્ડ પાસેથી આ બાળકીની માથું છૂંદી હત્યા કરાયેલી લાશ મળી આવતાં હાહાકાર મચી ગયો છે. તેમજ ડીસીપી સુધીરકુમાર દેસાઈ, એસીપી, પીઆઇ, પીએસઆઇ, ડી. સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. દરમિયાન અપહૃત બાળાના પિતા જગડીશભાઈએ લાશ પોતાની દીકરી આકાંક્ષાની હોવાનું ઓળખી બતાવ્યું હતું. કપડા પણ લાશ પર ન હોઈ બાજુમાં પડ્યા હોઇ અઘટિત કૃત્ય આચરી કોઈ વજનદાર પદાર્થ ફટકારી માથું છૂંદી હત્યા થયાનું પ્રાથમિક તારણ છે. પોસ્ટમોર્ટમ બાદ પોલીસ આગળ વિગતો જાહેર કરશે. હાલ ટુકડીઓએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે બાળા તેના ભાઈ ભાંડરડા સાથે સાંજે રમતી હતી તેના અમુક સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હોવાનું ડીસીપીશ્રી દેસાઈએ કહ્યું હતું.