રાજકોટ શહેરના હૃદય સમા રેસકોર્સ ગ્રાઉન્ડની ફૂટપાથ પર ઠેર ઠેર મોટા ખાડા પડી જતાં સ્થાનિકો અને મોર્નિંગ વોક માટે આવતા લોકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે.. મસ મોટા ખર્ચે બનેલી ફૂટપાથની નબળી ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રેસકોર્સની ફૂટપાથ પરથી અનેક પેવર બ્લોક નીકળી ગયા છે અને તેની જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. શહેરીજનોનો આક્ષેપ છે કે, અગાઉ જે સારી ગુણવત્તાવાળી ફૂટપાથ હતી તેને તોડીને નબળી ગુણવત્તાવાળી ફૂટપાથ બનાવવામાં આવી છે, જેના પરિણામે આ પરિસ્થિતિ સર્જાઈ છે. સવારના સમયે રેસકોર્સમાં મોર્નિંગ વોક, જોગિંગ કે કસરત કરવા આવતા લોકોને આ ખાડાઓને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોને પગ ઠચકાવાની કે લપસી પડવાની સમસ્યાઓનો અનુભવ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ બાબતે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં આવતો નથી અને બેદરકારીભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. લોકો માની રહ્યા છે કે, આ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા તાત્કાલિક ધ્યાન આપીને આ ફૂટપાથનું સમારકામ કરે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે.