મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે નિર્માણાધીન એઇમ્સ હોસ્પિટલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. એઇમ્સ પરિસર ખાતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી એઇમ્સના તમામ ઘટકોની કામગીરીની ઝીણવટભરી બાબતોથી માહિતગાર થયા હતા. અને નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.તેમજ રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થા હોવાથી પરિસરમાં 3 હેલીપેડ બનાવવા તેમણે સ્થળ પર જ આદેશો આપ્યા હતા. શહેરમાંથી વિવિધ રસ્તે એઇમ્સ સુધી પહોંચવા માટે નાગરિકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ કરવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તેનું તાત્કાલિક નિવારણ કરવા અંગત રીતે ધ્યાન દોરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. એઇમ્સ ખાતે અત્યાર સુધી કરાયેલા આરોગ્ય કેમ્પની માહિતી મેળવી જાહેર જનતાના લાભાર્થે વધુ ને વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવા તેમણે આ બેઠકમાં ભાર મુકયો હતો. મુખ્યમંત્રીએ દર 15 દિવસે એઇમ્સની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા સૂચન કર્યું હતું.તેમજ એઇમ્સની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ઇમરજન્સી વોર્ડમાં આંચકીની સારવાર લઈ રહેલા દર્દી અમિત પરમાર સાથે સીધો સંવાદ સાધીને તેમના ખબરઅંતરપણ પૂછ્યા હતા.