રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામે રહેતા 16 વર્ષના તરુણને ફરવા અને આઈશર શીખવવાના બહાને બે શખ્સો તારાપુર-અમદાવાદ લઈ જઈ સગીર બાળક સાથે શ્રુષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે સગીર બાળકના પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભડલી ગામે રહેતા ગોપાલ ગોરધનભાઈ બારૈયા અને જયસુખ ધીરુભાઈ કોળીના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત શુક્રવારે બન્ને આરોપીઓ ફરિયાદીના 16 વર્ષના પુત્રને ફરવા લઈ જવાનું અને આઈશર શિખવાડવાની લાલચ આપી પોતાની સાથે તારાપુર લઈ ગયા હતા. જ્યાં બન્ને શખ્સોએ વારાફરતી સગીર બાળક પર શ્રુષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તારાપુરથી બન્ને આરોપીઓ સગીર બાળકને અમદાવાદ લઈ ગયા હતા અને ત્યાંથી પરત જસદણ લઈ આવી આ બનાવ બાબતે જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી બાળકને ભડલી ગામે છોડી મૂક્યો હતો. પાંચ દિવસ સુધી ઘરેથી કીધા વગર જતો રહેલ બાળક ગઈકાલે પરત આવતા પરિવારજનોએ તેની પૂછપરછ કરતા પોતાના પર શ્રુષ્ટિ વિરુધ્ધ કૃત્ય થયાની જાણ કરતા પિતાએ આ અંગે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.