રાજકોટના કણકોટ ગામના પાટિયે યુનિયન બેન્કનું એટીએમ તોડી 6.26 લાખની રોકડ લઈને ફરાર થઈ જતાં તેમને શોધવા માટે પોલીસે ચારે બાજુ દોડધામ શરૂ કરી છે. આ સાથે આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે કણકોટ ગામના પાટીયા પાસે આવેલી લાભુભાઈ ત્રિવેદી કોલેજની બાજુમાં રાધે હોટેલ આવેલી છે ત્યારે બરાબર તેને અડીને જ યુનિયન બેન્કનું એક એટીએમ મુકવામાં આવ્યું છે જે વર્ષોથી કાર્યરત છે. દરમિયાન ગતરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં તાલુકા પોલીસ મથકની પીસીઆર વાન અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એટીએમમાં કશીક શંકાસ્પદ હલચલ જણાતાં તાત્કાલિક ગાડી એટીએમ બાજુ હંકારી હતી. જો કે ગાડી એટીએમ સુધી પહોંચે તે પહેલાં જ તસ્કરોને તેની ગંધ આવી જતાં તેમણે તાત્કાલિક જેટલી રકમ હાથમાં આવી એટલી લઈને ગાડીમાં ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે એટીએમ તોડવા માટે ચારથી પાંચ જેટલા તસ્કરો ગાડી લઈને જ આવ્યા હતા. આ ઉપરાંત તેઓ ગેસ કટર પણ સાથે લાવ્યા હોવાથી તેનાથી જ એટીએમ તોડીને રકમ કાઢી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એટીએમમાં ઘણી બધી રોકડ હતી. પરંતુ પોલીસ ત્યાં સુધી પહોંચી તે પહેલાં તસ્કરોએ તેમાંથી 6,26,500 રૂપિયાની રકમ કાઢી લીધી હતી જે લઈને ગાડીમાં જ ફરાર થઈ ગયા હતા. એટીએમમાં સીસીટીવી કાર્યરત હોવાને કારણે તસ્કરો તેમાં કેદ થઈ ગયા છે જેના આધારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કણકોટ ગામના પાટીયે યુનિયન બેન્કનું એટીએમ તૂટવાની ઘટનામાં એવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે કે તસ્કરોએ અગાઉથી જ આ એટીએમની રેકી કરી હોઈ શકે છે. રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં લોકોની અવર-જવર ઓછી હોવાથી તેનો લાભ લઈને ચોરીને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હોઈ શકે છે એટલા માટે જ તેઓ પોતાની સાથે ગેસકટર સહિતનો સામાન પણ લાવ્યા હતા. આ ગેંગ દ્વારા અન્ય કોઈ એટીએમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેમ તે સહિતની દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
તસ્કરોએ એટીએમનું સાયરન બંધ કરીને ચોરીને અંજામ આપ્યો
સામાન્ય રીતે કોઈ એટીએમમાં છેડછાડ કરવામાં આવે એટલે તુરંત તેનું સાયરન શરૂ થઈ જતું હોય છે પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે પીસીઆર વાન જ્યારે કણકોટ ગામના પાટીયા પાસે કે જ્યાં યુનિયન બેન્કનું એટીએમ આવેલું છે ત્યાંથી પસાર થઈ ત્યારે કોઈ પ્રકારનું સાયરન સંભળાયું ન્હોતું એટલા માટે તસ્કરોએ પહેલાં એટીએમનું સાયરન બંધ કરી નાખ્યું હોઈ શકે છે અથવા તો તે બગડી ગયું હોઈ શકે છે એટલા માટે જ આરામથી ચોરી શરૂ કરી હતી. જો કે અહીંથી પસાર થઈ રહેલી પીસીઆર વાનને એટીએમમાં કોઈ શંકાસ્પદ હલચલ થઈ રહ્યાનું જણાતાં જ તુરંત ગાડી તે બાજુ હંકારી મુકી હતી એટલા તસ્કરોએ ભાગવું પડ્યું હતું.