રાજકોટમાં બે દિવસ પૂર્વે પડેલા વરસાદમાં વરસતા વરસાદ દરમિયાન રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલ એક જીમના ફિટનેસ ટ્રેનર દ્વારા રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ બની યોગા કરતી એક રીલ્સ બનાવવામાં આવી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી હતી. જે વાઇરલ થતાની સાથે પોલીસે આ યુવતીની ઓળખ મેળવી તાત્કાલિક અસરથી તેને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર માલવિયા નગર પોલીસે ફિટનેસ ટ્રેનર યુવતી દિના પરમારની ધરપકડ કરી તેની સામે આઇપીસી કલમ 283 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ વાઇરલ વીડિયો 18 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યા આસપાસ અમીન માર્ગ પર બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, પોલીસે ધરપકડ કર્યા બાદ યુવતીએ પોતે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરશે અને આ પ્રકારની રીલ્સ બનાવવા બદલ ભૂલ થઈ હોવાથી માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો.