આજથી રાજકોટ સહિત સર્વત્ર દિવાળીના તહેવારોનો માહોલ છવાવા લાગ્યો છે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા આવતીકાલથી 150થી વધારે એકસ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવામાં આવનાર છે. રાજકોટ એસટી વિભાગના અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલથી રેગ્યુલર ઉપરાંત એકસ્ટ્રા સંચાલન પણ શરુ કરી દેવામાં આવશે. ખાસ કરીને એકસ્ટ્રા સંચાલનના પ્રથમ તબકકામાં રાજકોટ વિભાગ દ્વારા દાહોદ, ગોધરા અને સુરતના રુટો ઉપર સૌથી વધુ બસો 70 જેટલી એકસ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત અમદાવાદ, ભૂજ, ભાવનગર, સોમનાથ, દ્વારકા, અમરેલી, સાવરકુંડલા અને સાળંગપુર રૂટો માટે 80 જેટલી એકસ્ટ્રા એસટી બસો દોડાવામાં આવનાર છે.તેમજ એસટી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર જરુર પડ્યે જે રૂટમાં વધારે ટ્રાફીક હશે તેના માટે પણ વધારાની બસો ડીમાન્ડ મુજબ મુકવામાં આવશે. એસટી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ એકસ્ટ્રા સંચાલનના ભાગરુપે રાજકોટ એસટી વિભાગના 10 જેટલા સુપરવાઇઝરોને એકસ્ટ્રા સંચાલન માટે ખાસ વધારાની ફરજ પણ સોંપવામાં આવી છે અને દરેક ડ્રાઇવર-ક્ધડકટરોને ટ્રીપોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને 2200 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.