મોરબીમાં નશીલા પદાર્થ ગાંજાના વેચાણની સાથે સાથે સમયાંતરે મેફેડ્રોન ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે ત્યારે એસઓજી ટીમે મોરબી તાલુકાના લાલપર ગામેથી નશાનો કાળો કારોબાર કરતા રાજસ્થાની શખ્સને 1.94 લાખના મેફેડ્રોન સાથે ઝડપી લઈ એક સ્થાનિક તેમજ રાજસ્થાનના દાઉદ ઇબ્રાહિમ નામના શખ્સની સંડોવણીને ખુલ્લી પાડી હતી. જેમાં મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકાના લાલપર ગામે મૂળ રાજસ્થાનનો વતની શખ્સ યુવાધનને નશાની લતે ચડાવવા મેફેડ્રોન નામનું ડ્રગ્સ વેચાણ કરી રહ્યો છે જે બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડો પાડી આરોપી હકીમ રોડાજી આંકી નામના શખ્સને ઝડપી લેતા આ શખ્સના કબ્જામાંથી 19.4 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 1.94 લાખ, રૂપિયા 85,000 રોકડા, એક વજન કાટો તેમજ રૂ.500નો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ વધુમાં આરોપીની પૂછપરછમાં મેફેડ્રોન ડ્રગ્સના આ ગોરખધંધામાં રાજસ્થાનના દાઉદ ઇબ્રાહિમ બેલીમ તેમજ મોરબી ત્રાજપરના જીતેન્દ્ર રામજી પ્રજાપતિની સંડોવણી હોવાનું કબુલતા એસઓજી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. તો હકીમ ત્યાં છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતો હતો તેમજ આ ડ્રગ્સનો જથ્થો હકીમે તેના સાઢુભાઈ દાઉદ ઈબ્રાહીમ બેલીમ પાસેથી લીધેલ હોય અને વેચવા માટે ભાગીદાર જીતેન્દ્ર રામજી પ્રજાપતિ વાળો ગ્રાહક શોધી આપતો હોવાની પોલીસની તપાસમાં સામે આવ્યું હતું