મોરબીના ભડીયાદમાં રહેતાં મનસુખભાઇ પરષોત્તમભાઇ જીંજુવાડીયા ગઇકાલે રિક્ષા સ્ટેન્ડ નજીક પોતાની રિક્ષા લઇને ઉભા હતાં ત્યારે તેનો નાનો ભાઇ અમિત જીંજુવાડીયા ભેગો થઇ જતાં તેણે ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માથા, શરીરે ઘા મારી દેતાં મનસુખભાઇ લોહીલુહાણ થઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મનસુખભાઇના કહેવા મુજબ નાનો ભાઇ અમિત કુંવારો છે, તે છુટક મજૂરી કરે છે. છેલ્લા પંદરેક દિવસથી તે રિસાઇને ઘર મુકીને જતો રહ્યો છે. મને બજારમાં તે ઓચીંતો ભેગો થઇ જતાં મેં તેને આ રીતે રખડવાનું મુકી ઘરે પાછા આવી જવાનું કહેતાં તેણે બોલાચાલી કરી ઉશ્કેરાઇને પાવડાના ઘા કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તૌફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇએ મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.