સુરેન્દ્રનગર જિલ્લામાં ‘મારી માટી, મેરા દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ઠેર-ઠેર ગ્રામ પંચાયતો ખાતે વીર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત, 77માં સ્વાતંત્ર્ય પર્વને ધ્યાનમાં રાખીને ગત વર્ષની માફક આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાના તમામ લોકોને આ અભિયાનમાં સહભાગી બનવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં “મારી માટી, મારો દેશ” અને “હર ઘર તિરંગા અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં આ બંને કાર્યક્રમને લઈને જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા જિલ્લામાં ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો તેમાં સહભાગી બની રહ્યા છે. તેમજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવતીકાલે જિલ્લામાં તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટી તંત્ર તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગો, દરેક એસોસીએશન, વિદ્યાર્થીઓ અને દરેક લોકોને ઉત્સાહભેર ભાગ લેવા હાર્દિક નિમંત્રણ પણ પાઠવ્યું હતું. વધુમાં તેમણે, આવતીકાલથી 15 ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત જિલ્લાવાસીઓને પોતાના ઘર, ઓફિસ, જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં તિરંગો લહેરાવી આજની યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા જણાવ્યું હતું. “મારી માટી, મારો દેશ” અભિયાન વિશેની વાત કરતાં તેમણે જિલ્લાવાસીઓને હાથમાં માટી લઈ અથવા વીર સપૂતોને યાદ કરી શીલાફલકમ પાસે સેલ્ફી ક્લિક કરી આ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ પણ કરી હતી.
સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }