રાજકોટ શહેરમાં થોડા સમય પહેલા સામે આવેલી ભાજપની કવિતા કાંડથી ગરમાયેલા રાજકારણ વચ્ચે આજે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો અને નગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજકોટમાં કમલમ ખાતે પ્રદેશ નેતાગીરી દ્વારા અપેક્ષીતો પાસેથી તેમજ દાવેદારો પાસેથી મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અંગે સેન્સ લેવામાં આવી છે. રાજકોટના નગરસેવકો તેમજ અન્ય અપેક્ષીત પદાધિકારીઓ અને જન પ્રતિનિધીઓ પોતાની સેન્સ આપીને નવા પદાધિકારી ચૂંટવા અંગે સંગઠનના હોદ્દેદારોને સાંભળીને નિરીક્ષકોને વિગતો આપશે. તેમજ આજે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, જૂનાગઢના પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર અને બોટાદ જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા સેન્સ લેવા પહોંચ્યા હતા. આજે રાજકોટના પદાધિકારીઓ અને નગરસેવકો સેન્સ આપવા પહોંચ્યા હતા. જેમાં વોર્ડ વાઇઝ તેમજ પર્સનલ મિટિંગ કરી નિરીક્ષકો સમક્ષ બાયોડેટા સાથે સેન્સ આપી હતી.