ભાવનગર શહેરમાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના સમયે ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો.ભારે વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદના પગલે સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, જકાતનાકા, પાનવાડી, રેલવે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે વાહનચાલકો અટવાયા હતા. ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરમાં ૧૦૪ મીમી, ઉમરાળા ૨૪ મીમી, ભાવનગર શહેર ૮૨ મીમી, ઘોઘા ૬૪ મીમી, સિહોર ૪૪ મીમી, ગારિયાધાર ૨ મીમી, પાલિતાણા ૩ મીમી, તળાજા ૭ મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના ૧૦ માંથી ૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે જેસર અને મહુવા કોરાધાકોડ રહ્યા છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર