રાજકોટમાં ચાર મહિના બાદ ફરી ક્રિકેટનો જંગ જામશે. કારણ કે, ફરી એક વખત રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ટિકિટના દર 500થી શરૂ કરી 25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. વર્ષ 2024ની શરૂઆત થતાંની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી છે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. જે પૈકી ત્રીજી ટેસ્ટ મેચ 15થી 19 ફેબ્રુઆરી 2024 દરમિયાન રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. રાજકોટમાં રમાનારી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટ રસિકોએ ઈસ્ટ ગેટના લેવલ 1, 2 અને 3 માટે સિઝન ટિકિટના રૂ.500 અને એક દિવસના રૂ.120 ચૂકવવાના રહેશે. જ્યારે સૌથી મોંઘી ટિકિટમાં સાઉથ પેવેલિયન બ્લોક-2ના રાખવામાં આવ્યા છે. જેમાં ખાતીરદારી સાથે મેચ જોવા માટે પ્રેક્ષકોએ સિઝન ટિકિટના રૂ.25,000 આપવા પડશે.