રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે ગુજરાતમાં સ્થનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતની જાહેરાત કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઢોલનગારા સાથે ફટાકડા ફોડી આ નિર્ણયને હર્ષભેર વધાવી લેવાયો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સાથે પ્રદેશ કાર્યાલય ખાતેથી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી 27 ટકા ઓબીસીની જાહેરાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાજના દરેક વર્ગના લોકોને વિકાસની પૂરતી તકો મળે અને છેવાડાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં ભળે તે દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હરહંમેશ કાર્યરત છે. આ જ દિશામાં વધુ એક કડી ઉમેરતાં OBC માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27% અનામતનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓ.બી.સી. અનામતની જાહેરાત વધાવી લેવામાં આવી હતી. ભરૂચ દુધધારા ડેરીના ગેટ બહાર ભાજપે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી એકમેકને મીઠાઈ ખવડાવી આ નિર્ણયના વધામણાં કર્યા હતા.હવે ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5000 ગ્રામ પંચાયતમાં વહીવટદારના શાસન વચ્ચે સરપંચની ચૂંટણીનો માર્ગ મોકળો બનશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખે હર્ષ સાથે ખુશી વ્યક્ત કરી હતી.
મનીષ પટેલ