ભરૂચ જિલ્લા અને 9 તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ માટે આજે ભાજપના મેન્ડેટ પ્રમાણે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જાહેરાત કરાઈ હતી. જિલ્લા અને 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અન્ય પદાધિકારીઓ, શાસક પક્ષના નેતા અને દંડકની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા પદાધિકારીઓ માટે ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકો દ્વારા બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ આજે પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ખોલ્યા હતા.ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસડીયા અને આરતીબેન પટેલની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી. જેને સૌકોઈએ વધાવી લઈ અભિનંદન પાઠવી આવકારી લીધી હતી. જ્યારે કારોબારી ચેરમેન તરીકે ધર્મેશ મિસ્ત્રી, પક્ષના નેતા વર્ષાબેન વસાવાની વરણી કરાઈ હતી. ભરૂચ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કૌશિક પટેલ, ઉપપ્રમુખ રણજીત વસાવા, અંકલેશ્વરમાં પ્રમુખ પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ ચીમન વસાવા, વાગરામાં પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા, ઉપપ્રમુખ પાર્વતીબેન રાઠોડ, આમોદમાં પ્રમુખ હેમલતાબેન પરમાર અને ઉપપ્રમુખ વસંત પ્રજાપતિની બિનહરીફ વરણી થઈ હતી.
મનીષ પટેલ