ભરૂચ નજીકના ગામમાં રહેતી પરણિતાએ મહારાષ્ટ્રના રહેવાસી પ્રતિક જગદીશભાઈ પટેલ સાથે લગ્ન કર્યા હતા લગ્ન દરમિયાન પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો અને પતિએ પત્નીને અવાર-નવાર માનસિક શારીરિક ત્રાસ આપી 10 લાખ દહેજની માંગણી કરી હતી, પતિની માંગણી ન સંતોષાતા પત્નીને લાત મારીને ફેંકી દેતાં પત્નીને પગમાં ફેકચર થયું હતું ત્યારબાદ પતિ તેમજ સસરા પરણિતાને ભરૂચ મુકી ગયેલા હતા. પરંતુ બે વર્ષની સગીર પુત્રીનો કબજો તેની માતાને સોપેલો નહિ. જેથી પત્નીએ પુત્રીનો કબજો મેળવવા માટે ભરૂચની કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલેશન એકટ મુજબનો કેસ દાખલ કરી સગીર બાળકીનો કબજો મેળવેલો હતો. ત્યારબાદ ભરણ-પોષણ મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ભરૂચના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ કે.આર.ઉપાઘ્યાયની કોર્ટમાં ચાલી જતાં પત્નીના એડવોકેટ રાજેશ પ્રજાપતિની દલીલોને ગ્રાહય રાખી પત્નીને ૧૦,૦૦૦ તથા સગીર પુત્રીને ૫,૦૦૦ ચૂકવવાનો હુકમ કર્યો હતો. જે હુકમ મુજબ પતિએ તેમની પત્નીને 1.66 લાખ ચુકવેલા નહિ. જેથી ફેમિલિ કોર્ટે પતિ સામે રીકવરી વોરંટ અને અરેસ્ટ વોરંટ કાઢેલ હોવા છતાં પતિએ કોઈ રકમ જમા કરાવેલ નહિ. જેથી ફેમિલી કોર્ટે પતિને ભરણ-પોષણની બાકી રકમની સામે ૪૨૦ દિવસની સજાનો હુકમ કરેલો છે જે હુકમ બજવણી માટે તલાસરી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સજા/વોરંટની નકલ મોકલી આપેલ છે અને પોલીસે પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ છે.