ફરજનિષ્ઠ અધિકારીની સમર્પિત સેવાને બિરદાવતા સરકારના રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા
• પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી. પ્રીતિ શર્મા પ્રેગનેન્ટ હોવા છતા બિપરજોય વાવાઝોડા સમયે રાતદિવસ ખડેપગે સેવા બજાવતા હતા.
ગુજરાતનાં કચ્છ ક્ષેત્ર પર લેન્ડફોલ કરી, ગુજરાતનાં રસ્તેથી રાજ્સ્થાન તરફ આગળ વધી ડિપ્રેશનમાં ફેરવાયુ હતું. વાવાઝોડાની તીવ્રતા, વ્યાપ અને ગંભીર અસરોને ધ્યાનમાં લઈ, ગુજરાત સરકારે આ કટોકટીભરી પળોનો સામનો કરવા આગોતરું આયોજન હાથ ધરેલું.
પ્રધાનમંત્રીશ્રીની સીધી દેખરેખ હેઠળ ભારત સરકારની એન.ડી.આર.એફ.ની ટીમો, વિવિધ કેન્દ્રીય બચાવ અને રાહત એજન્સીઓ તથા ગુજરાત સરકારની વિવિધ વહીવટી ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક તૈનાતી કરી દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પગલાં ભરવામાં આવેલા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સરકારના તમામ મંત્રીશ્રીઓ પણ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રાતદિવસ ખડે પગે હાજર રહેલ. અધિકારીઓ, પોલીસ સ્ટાફ, સેવાભાવી સંસ્થાઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા પણ કોઇપણ સ્થિતિને પહોંચી વળવા પૂરી તૈયારીઓ કરવામાં આવેલ.
જડબેસલાક પૂર્વતૈયારીઓ અને સૂઝબૂઝથી ભર્યાં આયોજનને કારણે વાવાઝોડા દરમ્યાન એક પણ માનવ મૃત્યુ ન નોંધાતા તંત્રે હાશકારો અનુભવેલ. આ બધાની વચ્ચે ફરજનિષ્ઠા અને સમર્પિત ભાવથી કામ કર્યાની એક કરતાં વધું અનોખી ઘટનાઓ સામે આવેલ. જેમાં ધ્યાન ખેંચનારી ઘટના જો કોઈ બની હોય તો એ છે, પી.જી.વી.સી.એલ. ના જોઇન્ટ એમ. ડી. પ્રીતિ શર્માની ફરજનિષ્ઠાની ઘટના.
વાવાઝોડાની અસાધારણ સ્થિતિમાં હજારો લોકોનું સ્થળાંર કરવામાં આવેલું. વાવાઝોડા બાદ હજારો વીજપોલ ક્ષતિગ્રસ્ત થયેલા. સેંકડો ગામડાઓમાં વીજળી પુનઃ સ્થાપિત કરવી પડકાર જનક બની ગયેલ. આવી વિકટ સ્થિતિમાં પોતે પ્રેગનન્ટ હોવા છતાં, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યાં વિના પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલા અને પછીની સ્થિતિમાં રાતદિવસ કામ કરી ફરજનિષ્ઠાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરી અધિકારીઓ તથા રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા વિશ્રામ લેવા વારંવાર જણાવ્યું હોવા છતા પ્રીતિ શર્માએ પોતાની ફરજને પ્રાધાન્ય આપી કર્મશીલતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.
કરછના પ્રભારી મંત્રી અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયા જોઇન્ટ એમ. ડી. ની આ ફરજનિષ્ઠાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. જેથી તેઓશ્રીએ કરછ ખાતે તેમની સમર્પિત સેવાનું શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. મંત્રીશ્રીએ આ સમયે જણાવ્યું હતું કે, આવા સનિષ્ઠ અધિકારીઓ રાજ્ય માટે એસેટ સમાન છે. અસાધારણ સંજોગોમાં આવી નમૂનરૂપ ફરજ બજાવવા બદલ મંત્રીશ્રીએ પ્રીતિ શર્માને અભિનંદન આપી એમની સેવાઓને બિરદાવી હતી.