રાજકોટમાં આગામી દિવસોએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં વિજય રૂપાણીએ દિવ્ય દરબારનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. આ ઉપરાંત જણાવ્યું હતું કે રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દરબારને BJPનું માર્કેટિંગ ગણાવી રહી છે. પરંતુ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી BJPનું માર્કેટિંગ કરવા નહીં પરંતુ સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરવા આવી રહ્યા છે.