રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસનાં પ્રદેશ અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમાં દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ સહિતનાં નશાના કાળા કારોબાર અંગેના ચોંકાવનારા આક્ષેપો કરી પોલીસ પર પણ ગંભીર પ્રકારનાં આક્ષેપો કર્યા હતાં. પ્રેસ કોન્ફરન્સમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકોટ શહેર પોલીસ પર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે, શહેરમાં એમ.ડી.ડ્રગ્સ અને ચરસના 21 સ્થળે અને ગાંજાના 25 જેટલા સ્થળો હોવાનો દાવો કર્યો હતો. આ ગંભીર આક્ષેપો સામે આજે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યુ હતું કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા કરાયેલા પોલીસ પરના ગંભીર આક્ષેપો પાયાવિહોણા અને તથ્યહિન ગણાવતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સતત વિભીન્ન આર્થિક, સામાજિક અને ધાર્મિક તેમજ રાજનીતિ કાર્યકલાપોથી ધમધમતું મહાનગર છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરની શાંતિ, સલામતી જાળવવા અથાગ પ્રયત્નો કરી રહી છે. તેમજ અનેક વિધ મોટા ધાર્મિક ઉત્સવો જેવા કે દિવાળી, હોળી, જન્માષ્ટમીના મેળાઓ જેવી અન્ય ધાર્મિક યાત્રાઓ અને રાજકીય કાર્યક્રમોમાં પોલીસ દ્વારા સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવે છે. જ્યારે પોલીસ દ્વારા શહેરમાં માત્ર કાયદો વ્યવસ્થાની સ્થિતી જ નહી પણ આ સિવાયની અનેક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.