રાજકોટ: રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા આજે ઓચિંતા જ જસદણ સરકારી હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા હતા. અહીં તેમણે વિવિધ વિભાગોની મુલાકાત લઈને દર્દીઓને અપાતી સારવાર તેમજ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. સિંહાએ મંત્રીશ્રીને હોસ્પિટલની કામગીરી સહિતની વિગતોથી વાકેફ કર્યા હતા.
મંત્રીશ્રી કુંવરજીભાઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ સ્ટાફને પણ મળ્યા હતા અને પૂછપરછ કરી હતી. તેમણે હોસ્પિટલના અધિક્ષક પાસે સ્ટાફ, સંસાધનો સહિતની વિગતો જાણી હતી. બાદ તેમણે જસદણ તાલુકા પંચાયત કચેરીની પણ આકસ્મિક મુલાકાત લીધી હતી. અહીં તેમણે કચેરી પરિસરને વિકસાવવા વિવિધ મુદ્દા અંગે જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ તેમજ અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.