રાજ્યના છેવાડાના માનવી સુધી પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓને જરૂરી નિદાન સેવાઓ તેમજ દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ નિરંતર કાર્યરત છે.
બોટાદ જિલ્લાના સાળંગપુર તથા જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોએ ગુણવત્તાયુક્ત સેવાઓ, સ્વચ્છતા, સ્ટાફના જ્ઞાન અને દર્દીને મળતી સંતોષકારક સેવાઓની બાબતમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આપવામાં આવતી સેવાઓનું રાષ્ટ્રીય કક્ષાના એસેસર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં સાળંગપુર તથા જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અનુક્રમે ૮૦.૭ અને ૮૦.૫ ટકા મુલ્યાંકન સાથે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. “સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત”ની વિભાવનાને રાજ્ય સરકારશ્રી સતત ચરિતાર્થ કરી રહી છે. સ્વાસ્થ્ય સંદર્ભે પ્રત્યેક નાગરિકને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થાય તેવી રીતે યોજનાઓ ઘડી તેનું સુચારૂં અમલીકરણ થઈ રહ્યું છે.
રિપોર્ટ. લાલજી સોલંકી
બોટાદ