કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા ‘તિરંગા યાત્રા’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયુ છે. ત્યારે આજે સ્વતંત્રતા દિવસના આગલા દિવસે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 9.30 વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘તિરંગા યાત્રા’માં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોનું સન્માન અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે શાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સવારે 7.30 વાગ્યે સ્કૂલોના બાળકો અને શિક્ષકોની ‘પ્રભાત ફેરી’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.