આજથી રાજકોટ સહિત સર્વત્ર દિવાળીના તહેવારોનો માહોલ છવાયો છે. સર્વત્ર ફેસ્ટિવલ મૂડ નજરે પડવા લાગ્યો છે. ખાસ કરીને તહેવારોમાં વતન જવા માગતા લોકોનો ભારે ધસારો બસ સ્ટેશનો ઉપર પણ દેખાવા લાગ્યો છે. આજરોજ સવારથી રાજકોટ એસટી બસપોર્ટ અને રાજકોટ ડિવિઝનના 9 ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. આજથી એસટી વિભાગ દ્વારા 150 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવનાર છે. લોકોની ભીડમાં વધારો થતાં મોટાભાગની બસોનાં બુકિંગ ફૂલ થયા હતા. 50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવાની તૈયારી એસટી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.