દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે ચા બનાવી આપવાનું ફરમાન નહીં માનનાર દાદા સાથે તકરાર કરીને પૌત્રએ માથામાં લોખંડનો સળિયો ઝીંકીને ઢીમ ઢાળી દેતાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે પિતાએ પોતાના પૂત્ર સામે ફરિયાદ નોંધાવતાં ચાકલિયા પોલીસે હત્યા સબંધિ ગુનો દાખલ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામના કટારા ફળિયામાં રહેતાં 51 વર્ષિય ગવજીભાઇ હુમજીભાઇ કટારા સાંજના સમયે ઘરે હતાં. તે વખતે કાળાભાઇ નામક પૌત્ર ઘરે આવ્યો હતો. તેણે ચા બનાવી આપવા દાદા ગવજીભાઇને ફરમાન કર્યુ હતું. ત્યારે દાદા ગવજીભાઇએ સાંજનો સમય થઇ ગયો હોવાથી ચા પીવાની ના પાડી હતી. જેથી કાળાભાઇ આવેશમાં આવીને ગમે તેમ બોલવા સાથે મારામારી ઉપર ઉતરી આવ્યો હતો. ત્યારે ગવજીભાઇ ભાગીને પાડોશી રમેશના ઘરમાં ભરાઇ ગયા હતાં. ત્યારે ત્યાં ધસી ગયેલા કાળાએ લોખંડનો સળિયો ગવજીભાઇના માથામાં ઝીંકી દેતાં તેમને ગંભીર પ્રકારની ઇજા થઇ હતી. દવાખાને ખસેડાયેલા ગવજીભાઇનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પિતા ગવજીભાઇની હત્યા થતાં તેમના પૂત્ર રામાભાઇએ પોતાના પૂત્ર કાળા સામે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઇ ગયેલા કાળાભાઇની ગણતરી ના કલાકો માં ચક્રોગતિમાન કરી ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ.City.Newsh.Dahod