રાજકોટના ધોરાજીમાં વિજ તાર તાજીયામાં અડી જતા બેના મોત થયાની કરુણ ઘટના બની છે. ઉપરાંત 21 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. રસુલપરા વિસ્તારમાંથી ઝુલુસ નીકળ્યું હતું ત્યારે જ કરૂણાંતિકા સર્જાઈ હતી. અરેરાટી સાથે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવના પગલે પોલીસ અને પીજીવીસીએલની ટીમો દોડી ગઈ હતી. તાજીયા પર્વે જ યુવાનોએ જીવ ગુમાવતા પરિવારોમાં કલ્પાંત છવાયો હતો. મુસ્લિમ સમાજમાં ગમગીની છવાઈ હતી. મૃતકોના નામ સાજીદભાઈ જુમાભાઈ સમા અને જુનેદભાઈ હનીફભાઈ માજોઠી હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી વિગત મુજબ આજે દેશ ભરમાં તાજીયાનો પર્વ મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રના મહાનગરો ઉપરાંત તાલુકા મથકોના શહેરોમાં પણ તાજીયા ઝુલુસ નીકળ્યા હતા. બહોળી મુસ્લિમ વસ્તી ધરાવતા ધોરાજીમાં પણ તાજીયાનું વિશાળ ઝુલુસ નીકળ્યું હતું. અનેક કલાત્મક તાજીયા ગઈકાલે રાત્રે પડમાં આવ્યા હતા. કરબલામાં શહાદત વ્હોરનાર હુસેન અને હસનની યાદમાં મુસ્લિમ સમુદાય રંગાયો હતો. તેવા સમયે આજે સવારે ધોરાજીમાં તાજીયા ઝુલુસ નીકળ્યું હતું. અનેક કલાત્મક તાજીયા આ ઝુલુસમાં જોડાયા હતા. તેમજ તે દરમિયાન રસુલપરામાં ઝુલુસ પહોંચ્યું ત્યારે એક ઊંચો તાજીયો વીજ તારમાં અડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવમાં 21 લોકોને ઇજા થઇ હોવાનું પ્રાથમિક અહેવાલોથી જાણવા મળ્યું હતું. આ દરમિયાન છેલ્લે બપોરે માહિતી મળી હતી કે, બે યુવાનોના વીજ કરંટથી મોત થયા છે. આ તમામ ઘાયલોને ધોરજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં 2 લોકોને તબીબોએ મૃત જાહેર કરતા તાજીયાના પર્વના માહોલ વચ્ચે ગમગીની છવાઈ ગઈ હતી. આ સાથે બનાવની જાણ થતાં એસપી જયપાલસિંહ રાઠોડની સૂચના માર્ગદર્શન હેઠળ જેતપુર વિભાગના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા દોડી ગયા હતા. તેઓએ બે લોકો વીજ કરંટ લાગતા મરણ ગયેલ હોવાની સાંજ સમાચાર સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત ધોરાજી પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો. બનાવ બન્યો ત્યારે ઇજાગ્રસ્ત લોકોને ખાનગી વાહનમાં અને એમ્બ્યુલન્સમાં સારવારમાં ખસેડાયા હતા. તેમજ કેટલાકને જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું પણ જાણવા મળે છે. 4 લોકો ગંભીર હોવાનું અને બીજા 4 લોકો આઇસીયુમાં હોવાનું જાણવા મળે છે. બનાવ અતિ કરુણ હોવાથી ધોરાજીવાસીઓ ઉપરાંત મુસ્લિમ સમાજમાં ગમગીની છવાઈ છે. મૃતકોના પરિવારમાં શોકની કાલીમા છવાઈ હતી.