સમગ્ર સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ કેનાલમાં કેમિકલ નાખવાનો મામલો ગરમાયો છે. ત્યારે આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા તમામ સ્થળ તપાસ કર્યા બાદ સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાય તેવું નિવેદન અપાયું છે. જેમાં સુજલામ સુફલામ કેનાલમાં નખાયેલું આ કેમિકલ જોખમી હોવાની સાથોસાથ અન્ય જિલ્લા કે અન્ય રાજ્યમાંથી કેમિકલ નાખવા આવ્યા હોવાનો પણ ઘટસ્ફોટ કરાયો છે. કેમિકલ ઠલવાયા હોવાનું બહાર આવ્યું : સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ થકી હજારો હેકટર જમીનને સિંચાઈનું પાણી મળે છે. સાથોસાથ જમીનમાં સ્તર ઉપર લાવવા માટે ભૂમિકા આ જ કેનાલ થકી ભજવાઇ રહી છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ કેનાલ થકી હજારો હેક્ટર જમીન તેમજ કેટલાય ગામડાઓ માટે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ત્યારે સાબરકાંઠાના તલોદના પંડુસણ ગામે અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના અંધકારમાં માનવ જીવન સહિત પશુ સૃષ્ટિ માટે અત્યંત જોખમકારક કેમિકલ ઠલવાયા હોવાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
ઉમંગરાવલ સાબરકાંઠા