જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા હોય તેવી રીતે વહેલી સવારથી ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. જેમાં જૂનાગઢમાં મેધતાંડવથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમજ ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. આ સાથે જ પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં આવા લાગ્યું છે. જેથી ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. તો મુબારક બાગ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. આ સાથે પાણીમાં અનેક વાહનો પણ તણાઇ ગયા હતા. આ સાથે જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં હજુ પણ વરસાદનું જોર યથાવત હોવાથી કલેક્ટર ,એસપી ,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર આવ્યા હતા. તેમજ લોકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ પણ કરી હતી.