રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આયોજિત જી-20માં પધારેલા વિકસિત દેશોના વડાઓને આપણે સહકાર દ્વારા દેશના વિકાસની ભાવનાથી પ્રભાવિત કર્યા છે.ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને રૂ. ૧૪,૭૮૦ કરોડનું પાક ધીરાણ અને રૂ. ૬૮૦ કરોડનું મધ્યમ અને લાંબી મુદતનું ધીરાણ મળ્યું છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ ૨૦૩ લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને ૩૬ લાખ પશુપાલકોને રૂપિયા ૧૪૦ કરોડની ચુકવણી થાય છે. રાજ્યમાં ૮૩ હજારથી વધુ સહકારી મંડળીઓમાં બે કરોડ ૩૧ લાખ સભાસદો જોડાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેઓનું મોટું યોગદાન છે. જેતપુરના ધારાસભ્ય તથા કાર્યક્રમના અધ્યક્ષ, રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડીયાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારી રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં વાર્ષિક અહેવાલો રજૂ કરી બેંકની વિવિધ ખેડૂતલક્ષી કામગીરી વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં ખેડૂતોને ટુંકી મુદ્દત માટે ધીરાણ લેવા પણ ઊંચા વ્યાજ-દર ચૂકવીને અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો, ત્યારે સુદ્રઢ સહકારી માળખા થકી આજે ખેડૂતો ઝીરો ટકા વ્યાજ-દરે ધીરાણ મેળવતા થયા છે. બેન્ક સાથે જોડાયેલા ખેતી વિષયક મંડળીઓના ખેડૂત સભાસદોને આકસ્મિક નાણાકીય જરૂરીયાતનાં સંજોગોમાં તત્કાલ નાણાં મળી રહે તેવા હેતુથી મધ્યમ મુદત ખેતી વિષયક “કૃષિ તત્કાલ લોન યોજના”ની જાહેરાત કરી હતી. ઉપરાંત અન્ય બે યોજનાની પણ જાહેરાત કરી હતી.બેન્કની અક્સ્માત વીમા યોજના અન્વયે આકસ્મિક અવસાન પામેલા જુદી જુદી મંડળીઓનાં ૧૫ જેટલા સભાસદોનાં વારસદારોને રૂ. ૧૦ લાખનાં કુલ રૂ. ૧.૫૦ કરોડના ચેક અર્પણ કરાયા હતા. જયારે સહકારી ક્ષેત્રે ૧૫ વર્ષથી વધુ સમય સુધી ઉત્તમ સેવા આપનારી જુદી જુદી મંડળીઓને સન્માનિત કરાઈ હતી.