રાજકોટમાં ભૂમાફિયાઓ ફરી માથું ઉંચકી રહ્યા હોય તેવી રીતે કોઈને કોઈ વિસ્તારમાં સરકારની કે પ્રાઈવેટ માલિકની જમીન ઉપર કબજો થઈ ગયાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો જંકશન મેઈન રોડ પર આવેલા હંસરાજનગરમાં બન્યો હતો. અહીં સરકારના પ્લોટ ઉપર જયેશ સગપરીયા નામના માથાભારે શખ્સે કબજો કરી લીધો હોવાનું અને રહેવાસીઓને છરી બતાવી ‘સારાવાટ નહીં રહે’ એમ કહી ધમકાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જયેશ સગપરીયાને અનેક વખત રજૂઆત કરવા છતાં તેના દ્વારા પ્લોટ ખાલી કરવામાં આવ્યો નહોતો. એકંદરે જયેશ સગપરીયાના ત્રાસથી અત્યારે લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું તેમજ તેની તાત્કાલિક ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવું જરૂરી બની જતાં ફરિયાદ સાથે આજે લતાવાસીઓનું ટોળું પોલીસ કમિશનર કચેરીએ ધસી આવી આવેદાન પત્ર પાઠવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.