આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવના નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગોંડલ શહેર થી 4 કિલોમીટર દૂર વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય સુરેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. 350 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કરેલ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ આરતી ના દર્શનનો લાભ લીધો હતો. અહીં ગોંડલ તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર માંથી ભક્તો મહાદેવજી ના દર્શન તેમજ આરતીનો લાભ લે છે. સુરેશ્વર મંદિર ખાતે રાત્રી થી દિવસ દરમિયાન વહેલી સવાર ના 3.00 કલાકે, 5.00 કલાકે, 7.00 કલાકે, 8.00 કલાકે, બપોરે 12.00 કલાકે અને સાંજે 7.00 કલાકે આરતી દર્શન નો લાભ લેવા ભક્તો ઉમટી પડે છે. અને વહેલી સવારથી લઈ મોડીરાત સુધી સુરેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે. પૂજારી નિખિલભાઈ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું ગોંડલ માં ભગવતસિંહજી બાપુએ શહેર માં નવ નાથ મહાદેવ ની સ્થાપના કરી છે તેમાંના એક આ સુરેશ્વર મહાદેવ નું મંદિર છે હું છેલ્લા 15 વર્ષ થી અને અમે અહીં 3 પેઢી થી સુરેશ્વર મંદિરે પૂજા કરીએ છીએ સવારે 8 વાગ્યા થી બપોરના 12 વાગ્યા સુધી સુરેશ્વર મહાદેવજી ની પંચવકત્ર પૂજા થાય છે. બપોરે 12 વાગ્યે લઘુરુદ્ર બાદ મહા આરતી થાય છે.