29.3 C
Ahmedabad
Monday, June 16, 2025
spot_imgspot_imgspot_img

ખાતાકીય પરીક્ષામાં ગોલમાલનો આરોપ: PGVCL સામે યુનિયનો મેદાને, MD અને GUVNLમાં ફરિયાદ નોંધાઈ


રાજકોટ: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા તાજેતરમાં લેવાયેલી ખાતાકીય પરીક્ષામાં મોટા પાયે ગોલમાલ થયાના ગંભીર આક્ષેપો સાથે વીજ કર્મચારી યુનિયનો મેદાને આવ્યા છે. યુનિયનોએ PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

પરીક્ષા અને પરિણામમાં વિસંગતતા: પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ 27 એપ્રિલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાંથી જુનિયર આસિસ્ટન્ટ બનવા માટેની ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં PGVCL ના 850થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. 100 માર્કસની આ પરીક્ષાનું પહેલું પરિણામ 27 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ 10 જૂનના રોજ ફરીથી ‘રીવાઇઝ્ડ’ પરિણામ જાહેર કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

120થી વધુ ઉમેદવારોના માર્ક્સમાં અસામાન્ય વધારો-ઘટાડો: યુનિયનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુજબ, આ બીજા પરિણામમાં 120થી વધુ ઉમેદવારોના માર્ક્સમાં 1થી લઈને 35 માર્કસનો બારોબાર વધારો કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કેટલાક ઉમેદવારોના માર્ક્સ ઘટાડી પણ દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. બે વખત શંકાસ્પદ રીતે પરિણામ જાહેર થતા પરીક્ષા આપનારા કર્મચારીઓમાં વ્યાપક રોષ અને કૌભાંડની શંકા પ્રવર્તી રહી છે.

યુનિયનોની માંગણી અને પૂર્વ ઘટનાક્રમ: ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજુભાઈ ખત્રીએ જણાવ્યું કે, માર્ક્સમાં આ અસામાન્ય વધઘટ અંગે ફિલ્ડમાંથી અસંખ્ય રજૂઆતો મળી છે. પ્રથમ પરિણામ બાદ થયેલી વાંધા અરજીઓના આધારે સુધારેલું પરિણામ જાહેર કરાયું હોવા છતાં, કોઈ તર્ક કે સ્પષ્ટતા વિના માર્ક્સમાં થયેલી આ વધઘટ વધુ શંકા ઉપજાવે છે. યુનિયનોએ માંગ કરી છે કે લાયકાત ધરાવતા હોશિયાર ઉમેદવારોને અન્યાય ન થાય અને તમામ પરીક્ષા પ્રક્રિયા બાબતે સ્પષ્ટતા થાય તે માટે યોગ્ય તપાસના આદેશ આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ PGVCL માં કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ. 25 લાખની સહાય અપાવવાના બદલામાં બે અધિકારીઓ દ્વારા રૂ. 10 લાખની ઉઘરાણી કરતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા મોટો વિવાદ થયો હતો, જેમાં બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ પૂર્વ ઘટનાક્રમ વર્તમાન આરોપોને વધુ બળ આપી રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -