કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવાના મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોને વાહનમાં બોર્ડ ન લગાવવા તેમજ વાહનમાં કોઈ પણ જાતના હથિયાર પણ ન રાખવા સૂચના આપવામાં આવી છે. જો કે, માત્ર કોર્પોરેશનના મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, MLA, MP અને પક્ષ પ્રમુખ જ વાહનમાં હોદ્દાનો બોર્ડ લાગાવી શકશે. અલગ અલગ સમિતિઓના ચેરમેન પણ તેમના હોદ્દાનાં બોર્ડ વાહનમાં લગાવી શકશે નહીં. સાથે-સાથે MLA અથવા MPના પરિવારજનોને પણ પોતાના વાહનોમાં હોદ્દા અંગેના બોર્ડ નહીં લગાડવાની અપીલ પણ તેમણે કરી હતી. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે ભાજપ અગ્રણી દ્વારા મુખ્યમંત્રી શહેરમાં હતા, ત્યારે જ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. જે ઘટનાને લઇ રાજકોટ શહેર ભાજપ હરકતમાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ભાજપનાં કાર્યકરો તેમજ હોદ્દેદારોને વાહનમાં બોર્ડ નહીં લગાવવા સૂચના આપી છે. તેમજ નવું સંગઠનનું માળખું જાહેર કરવાની ખાતરી પણ આજે મીડિયા સાથે કરેલી વાતચીતમાં આપી હતી.