રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આશરે ૩૪,૦૦૦થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં સમાજના ઓછી આવક ધરાવતા તેમજ મધ્યમવર્ગીય સહીત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને EWS તથા LIG પ્રકારના આવાસો બનાવવામાં આવેલ છે. જેમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ વિગેરે જેવી જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ આપવામાં આવેલ છે. આ આવાસ યોજનાઓમાં આવાસોની સાથે આંગણવાડી તેમજ શોપીંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવે છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાએ બનાવેલ પાંચ આવાસ યોજનાઓને IGBC મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો. આ મોમેન્ટો મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, ડે. મેયરશ્રી કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી વિનુભાઈ ઘવાએ તા. ૨૧-૦૬-૨૦૨૩ના રોજ સ્વીકારેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસ યોજનામાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલ (પોલાણવાળી દિવાલ)ની સુવિધા, કોમન લાઈટીંગ માટે LED બલ્બનો ઉપયોગ, કન્સ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુનઃઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમના કારણે મહત્તમ સમય દરમ્યાન વરસાદી પાણીના થયેલ જળ સંચયનો ઉપયોગ થઇ શકે. તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડીંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવેલ છે અને તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે.