સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રી પૂર્વે લાખો શ્રદ્ધાળુઓ મનમાં માતાજી પ્રત્યેની પોતાની આસ્થા અને ભક્તિ સાથે મહાકાળી માતાજીના દર્શને પહોંચ્યા હતા. ત્યારે વહેલી સવારથી માઁઇભક્તોનું ઘોડાપુર માતાજીનો જયઘોષ કરતું માચી તરફ અને ડુંગર ઉપર પહોંચ્યું હતું. તેમજ બપોર સુધી દોઢ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા. માતાજીની જ્યોત લેવા પગપાળા આવેલા પદ યાત્રિકો પણ વહેલી સવારે જ્યોત લઈ પરત ફર્યા હતા. આ સાથે આજે આસો નવરાત્રીના આગલા દિવસે લાખો ભક્તો પાવાગઢ માતાજીના દર્શને પહોંચ્યા હતા. જેમાં આજે બપોર સુધી ચાલતા જવાના માર્ગો ઉપર ભારે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.