આવતીકાલે દિવાસાના દિવસથી શરુ થતા શ્રધ્ધાના પર્વ સમા દશામાના વ્રતની શરૂઆત થઇ રહી છે,, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દિવાસા અગાઉના દિવસે બજારમાં મોટી ભીડ જોવા મળી હતી તેમજ બજારમાં દશામાની મૂર્તિઓ સાથે પૂજાપો, પ્રસાદ તથા આરતીની ચીજવસ્તુઓ ખરીદવા ભક્તોની ભીડ ઉમટી હતી તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દશામાની મૂર્તિઓનું વેચાણ વધુ થઇ રહ્યુ છે. જેના કારણે જિલ્લામાં ભકિતમય વાતાવરણ સર્જાયું છે.અષાઢ મહીનાના છેલ્લા દિવસે એટલે કે દિવાસાના દિવસથી દશામાના વ્રતની શુભ શરુઆત થાય છે. ત્યારે જિલ્લાના વિવિધ તાલુકાઓ સહિત મોડાસા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દશામાના વ્રતનું ખુબ જ મહત્વ જોવા મળતું હોવાથી તેના કારણે આજે મોડાસાના બજારમાં દશામાંની મૂર્તિઓ ખરીદવા માટે વ્રત કરનાર મહિલાઓ પરિવાર સાથે ઉમટી પડી હતી જેથી દુકાનદારો એ પણ અવનવા શણગાર વડે દશામાની મૂર્તિને સજાવીને દશામાના ભક્તોને આકર્ષ્યા હતા. તેમજ આજના દિવસે વરસાદ વિલન ન બનતા વ્રત કરનાર મહિલાઓ એ ભારે ઉત્સાહ અને આસ્થા સાથે માતાજીની મૂર્તિની ખરીદી કરી હતી. આ સાથે આવતીકાલ થી દસ દિવસ ચાલનાર આ વ્રતમાં શ્રદ્ધા અને ભકિતભાવપુર્વક સવાર સાંજ દશામાની મૂર્તિની પૂજા અર્ચના કરી છેલ્લા એટલે કે દસમાં દિવસે ઢોલ નગારા સાથે ભારે હૈયે દશામાની મૂર્તિનું વિર્સજન કરવામાં આવે છે.
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી