આગામી 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના ખૂણે ખૂણે ભગવાન રામચંદ્રજી મહારાજની પાદુકાઓ ભક્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે. રામચંદ્રજી મહારાજની પાદુકાઓ બનાવવા પાછળ બે મહિના જેટલો સમય લાગ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ જે પાદુકાઓ બનાવવામાં આવી છે તેમાં સાત કિલો ચાંદી અને એક કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાદુકાનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તે અયોધ્યા ખાતે રામચંદ્રજી મહારાજની લાકડાની પાદુકા છે તેની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. લાકડાના પાદુકામાં જે પ્રકારે અક્ષત કુંભ, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, ઓમ, સ્વસ્તિક, ગદા સહિતના ચિહ્નો છે. એ જ પ્રકારના ચિન્હો ગર્ભગૃહમાં રાખવામાં આવનાર સોનાને ચાંદી ચડિત ચરણ પાદુકામાં પણ બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ચરણ પાદુકા રાજકોટ થી દ્વારકા સોમનાથ અને ત્યારબાદ ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરી વળશે.
રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા રાજકોટ શહેરમાં ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન બકુલભાઈ નથવાણીના ઘરે દર્શન માટે પધરામણી કરવામાં આવી હતી. જ્યાં ભગવાન રામના ચરણ પાદુકાની પૂજા અર્ચના કરી અને ભાવિ ભક્તોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ભગવાન રામના ચરણ પાદુકા પધારતા ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સાથે જ અબીલ ગુલાલ ને છોડો ઉડાડીને ભગવાનને વધાવવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે જાણે કે રામ નવમી ન ઉજવણી કરવામાં આવી રહી હોય તે પ્રકારનો માહોલ થોડાક ક્ષણો માટે જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી અને તેમના પરિવારને ત્યાં ચરણ પાદુકાના દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. હાલ ઠેર ઠેર લોકો રામચરણ ના દર્શન કરીને પુલકિત થઈ રહ્યા છે.