આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના ઘુંટુ ગામે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ હળવદ-ધ્રાગંધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં વીરોને વંદન કરવાનો આ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે હેઠળ કળશમાં દરેક ગામની માટી એકત્ર કરવામાં આવશે આ કળશ ૧૭ તારીખે વાજતે-ગાજતે તાલુકા મથકે લઈ આવવામાં આવશે. જ્યાંથી પાંચ તાલુકામાંથી પાંચ કળશ રાષ્ટ્ર કક્ષાએ દિલ્હી લઈ જવામાં આવશે અને ત્યાંની અમૃત વાટિકામાં આ કળશ અર્પણ કરવામાં આવશે. વધુમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, આપણને મળેલી આઝાદી ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે સુરક્ષા માટે કાર્યરત વિવિધ પાંખોના રક્ષા વીરોનું સન્માન કરીએ.
હાથમાં દિપક લઈ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કરીશું, ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું, આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું, આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું, રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજો પુનઃપુષ્ટિ કરી પાલન કરીશુંની પ્રતિજ્ઞા લીધી હતી અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.