અરવલ્લીના ભિલોડા અને ધનસુરામાં વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ હતી. જેમાં ભિલોડા પથકમાં પડેલા વરસાદને લઈ ભિલોડાનો સુનસર ધોધ ફરી જીવંત થયો હતો. જેથી સુનસર ધોધમાંથી ધીમીધારે પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. આ સાથે ભારે વરસાદ પડતાં રસ્તાઓ પર ચોતરફ પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નિચાણવાળા ભાગોમાં પાણી પણ ભરાયા હતા. તેમજ વધુ વરસાદ આવતા ખેડૂતોના ખેતરો પણ પાણીમાં તરબોળ થયા હતા. તેમજ વરસાદને લઈ ખેડૂતો અને લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ધનસુરામાં જ આકાશી આફતથી 2 પશુઓના મોત થયા હતા. જેમાં વડાગામના રામપુર ગામે વીજળી પડતા ગાય અને ભેંસના મોત થતાં પશુપાલકોમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું તેમજ પશુપાલકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.