અરબી સમુદ્રના વાવાઝોડાની અસરમાંથી રાજકોટ પણ બાકાત ન હોય તેમ આજે 30 કીમીની ઝડપે ધૂળની ડમરીઓ ઉડાડતો પવન ફુંકાઈ રહ્યો છે. જો કે ઝાટકાના પવનની ગતિ 40થી50 કીમીની હતી. તેમજ બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે આજે બપોરના 3.20 કલાકે રાજકોટમાં વરસાદનું ઝાપટુ પણ આવ્યું હતું. આ વરસાદના ઝાપટાથી શહેરના રાજમાર્ગો ભીના થઈ ગયા હતા. જો કે વાતાવરણમાં હજુ બફારો યથાવત રહ્યો હોવાથી લોકો આકુળવ્યાકુળ બની ગયા હતા. રાજકોટ હવામાનખાતાના રિપોર્ટ પ્રમાણે શહેરમાં બપોરે 2.30 વાગ્યે તાપમાનનો પારો નીચે સરકીને 33 ડીગ્રી નોંધાયો હતો. ગઈકાલે રવિવારે 37 ડીગ્રીની સરખામણીએ ચાર ડીગ્રી નીચે ઉતરી ગયો હતો. તેમજ બપોરે અઢી વાગ્યે પવનની ઝડપ 30 કિલોમીટરની નોંધાઈ હતી. જો કે, ઝાટકાના પવનની ગતિ 40થી50 કીમીની હતી એટલે ધુળની ડમરીઓ પણ ઉડતી હતી. જેથી વાહનચાલકોથી માંડીને તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઝંઝાવાતી પવનને કારણે વૃક્ષો, વિજતાર વગેરે પણ સતત હચમચતા રહ્યા હતા.