38.9 C
Ahmedabad
Monday, May 12, 2025
spot_imgspot_imgspot_img

અમરનાથના યાત્રીઓની રાજકોટ જિલ્લાના તબીબો કરશે સારવાર


રાજકોટ: પ્રતિ વર્ષ અનેક શ્રદ્ધાળુઓ હિમાલયમાં બિરાજમાન બર્ફીલા બાબા અમરનાથના દર્શને જતા હોય છે ત્યારે આ દુર્ગમ યાત્રામાં યાત્રિકો બીમાર પડે તો તેમની સારવાર માટે દેશભરના તબીબોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સેવા માટે મોકલતી હોય છે. ત્યારે ૨૦૨૩માં ૧ લી જુલાઈથી શરૂ થનારી આ યાત્રામાં રાજકોટ જિલ્લાના ચાર તબીબો ૧૮ દિવસ (તા.૨૭ જૂનથી તા.૧૫ જુલાઈ) ફરજ બજાવશે.

હિમાલયમાં ૧૩ હજાર ફૂટની ઉંચાઈએ દુર્ગમ પહાડ અને હાડ થીજવતી ઠંડીમાં મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓની સેવા કરવાની સતત બીજા વર્ષે પણ જેમને તક મળી છે, તેવા જસદણ તાલુકાના કમળાપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.ધવલ ગોસાઈ કહે છે કે, પહેલગામથી લઈ બાલતાલ સુધી ૨ – ૨ કિ.મી.ના અંતરે ૪૫ જેટલા મેડિકલ કેમ્પ ઉભા કરાય છે. તબીબી સ્ટાફના રહેવા માટે પણ ટેન્ટમાં જ વ્યવસ્થા હોય છે. કાશ્મીરમાં કડકડતી ઠંડીમાં યાત્રિકોને સારવાર માટે બેઝ કેમ્પથી લઈને બાલતાલ, ચંદનવાડી વગેરે જગ્યાએ તબીબોની ફોજ દર્દી નારાયણની સેવા માટે ઉપલબ્ધ હોય છે.

અમરનાથ યાત્રાના ગત વર્ષના મેડીકલ કેમ્પના અનુભવ વિશે ડો. ધવલ ગોસાઈ કહે છે કે, મોટા ભાગના દર્શનાથીઓને અમરનાથ દાદાની ગુફા સુધી પહોંચવામાં પહેલગામ રૂટથી ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ તેમજ બાલતાલ રૂટથી પહોંચવામાં એક દિવસ થાય છે. ત્યારે મોટાભાગના લોકોને સામાન્ય થાકથી માંડી શ્વાસ ચડવાના તથા ઓક્સિજન લેવલ ઘટવાના બનાવો બને છે. તેમજ ડાયાબિટીસના દર્દીઓનું ગ્લુકોઝ લેવલ ઘટી જતું હોય છે. ત્યારે આવા દર્દીઓ આ મેડિકલ કેમ્પમાં પ્રાથમિક ઈમર્જન્સી સારવાર મેળવી આગળની યાત્રા કરે છે. ને બર્ફીલા બાબાના આશીર્વાદ મેળવે છે.

કમળાપૂર, બેડલા, ગઢકા, પારડી, કુવાડવાનો નર્સિંગ સ્ટાફ જોડાયો

જસદણ તાલુકાના કમળાપુર પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો.ધવલ ગોસાઈ,રાજકોટ તાલુકાના બેડલા પીએચસીના ડો.રીંકલ વિરડીયા, ગઢકા પી.એચ.સી.ના ડો.હાર્દિક પટેલ, લોધિકા તાલુકાના પારડી પી.એચ.સી.ના ડૉ. જ્યોતિ પટેલ તેમજ કમળાપુર પી.એચ.સી.ના લેબ ટેકનિશયન શ્રીમતી મમતા જોશી, મહિપતસિંહ સિસોદીયા, કુવાડવા સી.એચ.સી. નર્સ સ્ટાફનો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -