ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચના પતિએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. જે મકાનોમાં પરિવાર પેઢી દર પેઢી રહેતો હોય તે ઘર છીનવાઈ જવાની અણી પર હોય સરપંચે અવાજ ઉઠાવતા વિવાદ થયો છે. ગામમાં સ્વામિત્વ યોજના અંગે તંત્રએ કામગીરી કર્યા બાદ યોગ્ય કામગીરી ન થયાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. વર્ષોથી ગામમાં રહેતા ગ્રામજનોના મકાનની સરખી માપણી ન થયાનો આક્ષેપ છે. અધિકારીઓને રજુઆત કરવા જતાં ધમકી અપાઈ, સરપંચ પદ જશે તેવી દાટી મારી હોવાનો આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે. ભોજપરા ગામના સરપંચના પતિ વિપુલભાઈ હરજીભાઈ પરમારે જણાવ્યું હતું કે, શહેર વિસ્તારમાં સૂચિત કે જૂનવાણી મકાનો-મિલકતોમાં ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી શકાય તેમ આ યોજનામાં જૂની મિલકતો કાયદેસર કરવાનો હેતુ હોય છે. અમારા ગામમાં પ્રથમ ડ્રોન કેમેરા થકી સર્વે થયો હતો. જે પછી તંત્રની ટીમે આવી સર્વે કર્યો હતો. તેમજ સર્વેમાં કોઈ ક્ષતિ રહી ન જાય અને રહી ગઈ હોય તો તે દૂર થાય તે માટે અમારી રજુઆતથી ડોર-ટુ-ડોર સર્વે થયો હતો. આ પછી પણ જુના ગામ તળની કેટલીક મકાન – મિલકત સર્વેમાંથી બહાર રહી ગઈ હતી. તેને યોગ્ય કરવા જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી. ગ્રામજનો સાથે બેઠક થયેલી પણ ગ્રામજનો સર્વેમાં ક્ષતિના કારણે હવે આગળની પ્રક્રિયા કરવા તૈયાર નહોતા. અધિકારીઓએ મને વાત કરી અને ગ્રામજનોને મનાવવા તેમજ યોજનાની કામગીરી આગળ વધે તે માટે ભલામણ કરેલી. તે સમયે ક્ષતિઓ દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપેલી. જોકે આ યોજનાની કામગીરી પૂર્ણ થતાં હવે ક્ષતિઓ દૂર કરવા અધિકારીઓ તૈયાર નથી. ત્યારે મારા આત્મવિલોપન કરવા પાછળ સિટી સર્વે સુપ્રિન્ટેનડેન્ટ ભુવા, ગોંડલ ટીડીઓ, ગોંડલ તાલુકાના કર્મચારી દાંગોદરા અને મામલતદાર કચેરીના જવાબદાર કર્મચારીઓ જવાબદાર રહેશે. જો સમસ્યાનો નિકાલ નહીં આવે તો સોમવારે ભોજપરા ગામે આત્મવિલોપન કરીશ. તેમ વિપુલભાઈએ જણાવ્યું હતું.