રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના હિંગોળગઢ ખાતે ચેકડેમ ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મામલતદાર અંકિત પટેલ, સરપંચ મધુબેન ભરતભાઈ હતવાણી, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારના જમીનો ધરાવતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ ખેડૂતો તેમજ કામગીરી સાથે સંકળાયેલ સિંચાઇ વિભાગના કર્મચારી, ઓપરેટર વગેરે પાસેથી માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતા.
મંત્રીએ આ સાથે વીંછિયા નજીક આવેલા નિર્મળ તળાવની પણ મુલાકાત લઈ તળાવને ઊંડા કરવાના કામનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનો કર્યા હતા નોંધનીય છે કે હિંગોળગઢ તળાવની હાલની ક્ષમતા ૦.૮ એમ.સી.એફ.ટી. છે, જે ઊંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થતાં આ ક્ષમતા લગભગ બમણી થશે. વિંછીયા પાસે આવેલ નિર્મળ તળાવની હાલની ક્ષમતા ૦.૯ એમ.સી.એફ.ટી. છે, જે વધીને ૧.૬ એમ.સી.એફ.ટી. થશે. આ તળાવો ઉંડા થતાં હિંગોળગઢ ગામ તેમજ વીંછિયામાં પાણીનો સંગ્રહ થશે અને પાણીના તળ ઉંચા આવતા ખેડૂતોને તેમજ નાગરિકોને ફાયદો થશે.