મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનથી 04.09.2023 (સોમવાર ના રોજ) મેયર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કીર્તિબેન દાણીધારિયા અને સાધુ સંતોં ની ગરિમામયી ઉપસ્થિતિમાં માનનીયા સાંસદ-ભાવનગર ડો. ભારતીબેન ડી. શિયાળ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19271 ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર સોમવારે રાત્રે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે સવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19272 હરિદ્વાર-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 06.09.2023 થી દર બુધવારે સવારે 05.00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 12.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર સહિત મંડળના અન્ય અધિકારીઓ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ, સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર રામરાજ મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન્સ મેનેજર અભિનવ જેફ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હરિદ્વાર સુધીની ટ્રેન શરૂ થવાને લઈને રેલવે મુસાફરો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ રેલવે પ્રશાસન અને તેમના સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર