રાજકોટ: ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓનું ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સન્માન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા રમત-ગમત અધિકારી કચેરી, રાજકોટ વતી કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વાતંત્ર્ય સેનાની છબીલદાસ હીરાચંદ લાખાણીના ધર્મપત્નિ શ્રીમતી માધુરીબેન સી. લાખાણીનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.
છબીલદાસ હીરાચંદ લાખાણીનો જન્મ ૧૯૨૫માં રાજકોટ ખાતે થયો હતો. મુંબઈ યુનિ. સાથે સંકળાયેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજથી તેમણે બી.એ. કર્યું અને ત્યાર બાદ મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી એલ.એલ.બી. કર્યું. એ સમયે પણ આટલો ઉચ્ચ અભ્યાસ કરી ઉજજવળ કારકિર્દી બનાવનારા છબીલદાસભાઇએ વિદ્યાર્થી કાળથી જ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. ફકત ૧૩-૧૪ વર્ષની ઉંમરે તેઓએ રાજકોટની વાનર સેનામાં જોડાઈ, જવાબદાર રાજતંત્ર લડતમાં ઝંપલાવ્યું હતું. તેમના માતુશ્રી પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેતા, પ્રભાતફેરીમાં જતા. ૧૯૪રમાં આલ્ફ્રેડ હાઈસ્કુલમાં હડતાલ પાડીને પિકેટિંગમાં ભાગ લેતા તેઓ પ્રથમ વખત પકડાયા. પ્રભાત ફેરી, સભા, સરઘસ, ચર્ચીલનું પુતળુ બાળવું, પછીથી તેનો દા’ડો કરવો જેવા કાર્યક્રમોમાં છબીલદાસભાઈએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમણે મેટ્રીકનો અભ્યાસ છોડીને સ્વાતંત્ર્ય પ્રાપ્તિને જ જીવનનું એકમાત્ર ધ્યેય બનાવ્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન તેઓ જેલમાં શ્રી બાલકૃષ્ણ શુકલ, શ્રી પુરુષોત્તમભાઇ ગાંધી, શ્રી જયસુખલાલ શાહ, શ્રી રતિલાલ તન્ના વગેરેના સંપર્કમાં આવ્યા હતા. જેલમાંથી છુટ્યા બાદ ઉછરંગરાય ઢેબર, જેઠાલાલ જોશી, બળવંતરાય મહેતા વગેરેના સંપર્કમાં આવેલા.
શ્રીમતી માધુરીબેન સી. લાખાણી સ્વતંત્રતા દરમિયાન તેઓ ગાંધીજીને રૂબરૂ મળ્યા હતા તેમજ અનેક રાજનેતાઓના સંપર્કમાં આવ્યા હોવાનું તેમણે કલેક્ટરશ્રીને જણાવ્યું હતું. તેમજ પરિવારજનોએ છબીલદાસ લાખાણીનું જીવન-કવન કલેક્ટરશ્રી સાથે વાગોળ્યું હતું.